જુનાગઢ : ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું !
જુનાગઢ ઉપરકોટકિલ્લો
વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં સંકોરીને બેઠું છે. ગુજરાતમાં ડગલે ને પગલે એક ઈતિહાસ આળસ મરડીને ઉભો થઈ જાય છે. પછી તે અમદાવાદના કુત્તે-સસા વાળી હોય કે પોરબંદરને સુદામાના સંબંધોની હોય ગુજરાતના ખુણે ખુણે વિશેષણો ને વિશેષતા ઉભરાઈ પડે છે.
ગુજરાતની આવી જ વિશેષતાનેનું પ્રતિનિધિત્વ કરે છે એક આગવું શહેર. જ્યાં ઈતિહાસ, શૌર્ય, સહજતા, વિવિધતા ને ભક્તિના ઘોડાપૂર ઉભરાય છે.
સોરઠ નામે મુલ્કમશહરુ જિલ્લો એટલે જૂનાગઢ… અહીં ડગલે ને પગલે આપણને સંતો ને શૂરાઓનો ગર્વીલો ઈતિહાસ નજરે પડશે. અહીં પ્રવાસન સ્થળો મળી રહેશે ને ઐતિહાસિક સ્થળો જોવા મળશે. અહીં ધર્મ પણ છે ને શૌર્ય પણ છે. ભકિત પણ છે ને ‘ભડવીરોનો ભડાકા’ પણ છે. આ એક એવી ભૂમિ છે જેના વગર ખુદ ગુજરાત દેશનો ને ભારતનો ઈતિહાસ અધુરો રહી જાય તેમ છે.
સોરઠ ભૂમિના નામે જાણિતા જૂનાગઢ ને તેની આસપાસના વિસ્તારો આગવું વૈવિધ્ય ધરાવે છે. 8,762 ચો. કિમી.માં ફેલાયેલો જૂનાગઢ જિલ્લામાં અનેક ઐતિહાસ સ્થળો આવેલા છે. શહેરમાં ઉપરકોટ, ગરવો ગઢ ગીરનાર, નવાબી સ્થાપત્યો ને દસ્તાવેજો, મહાન અશોકનો શીલાલેખથી લઈને કાઠિયાવાડના ઈતિહાસને ગૌરવંતો કરનારા અનેક સ્થળો અહીં અસ્તિત્વ ધરાવે છે.
જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. આ ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે.
મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર જાળીઓ મૂકવામાં આવી છે.
બૌદ્ધગુફાઓથી થોડે આગળ જતાં જગપ્રસિદ્ધ ‘અડી કડી વાવ’ અને ‘નવઘણ કુવો’ આવેલાં છે. એક કહેવત અનુસાર એમ કહેવાય છે કે ‘અડી કડી વાવ અને નવઘણ કુવો, જેના જૂએ તે જીવતો મૂઓ.’ અર્થાત જેણે પોતાના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત ન લીધી એનું જીવન વ્યર્થ છે ! – આવી એક રમૂજી લોકોક્તિ છે. અડી કડીની વાવનું સર્જન પથ્થરો કાપીને કરાયું છે. 162 પગથિયાવાળી આ વાવ – 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે. સમગ્ર વાવ એક સળંગ ખડકમાંથી કાપીને બનાવેલી છે. જો કે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોભ કે ગવાક્ષો એમાં નથી. જટિલ ભૂસ્તર રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોત શોધવાની કુશળતાને વ્યક્ત કરે છે. કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં, ન કશી નોંધ કે ન કશું લખાણ. સમય માપન લગભગ અશક્ય, પણ એટલું ચોક્કસ કહેવાય છે કે આ સૌથી પ્રાચીન વાવમાંની એક છે !
ઉપરકોટના બીજે છેડે આવેલો છે સુપ્રસિદ્ધ ‘નવઘણ કૂવો’. ત્યાં દર્શાવેલી માહિતી અનુસાર : ‘પછીના સમયમાં આવનારી વાવના સ્વરૂપનો અણસાર આપતા આ કૂવાનું નામ ‘રાનવઘણ’ (ઈ.સ. 1025-44) પરથી પડ્યું. જ્યાંથી કૂવામાં જઈ શકાય છે તે આગળ મોટું થાળું કદાચ રાનવઘણના રાજ્ય દરમ્યાન બંધાયું હતું. પહેલાં સીધાં અને પછી જમણી તરફ ચક્રાકારે નીચે જતાં પગથિયાં છે. પ્રકાશ માટે દિવાલમાં બાકોરાં કર્યાં છે. થાળું બંધાયું એ પહેલાના સમયનો આ કૂવો જણાય છે. આને કેટલાક અભ્યાસીઓ વાવનું જૂનામાં જૂનું ઉદાહરણ માને છે.’ ઉપરકોટના કિલ્લાની ઉપર તરફ ચઢતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. તોપના દરવાજાની બાજુમાં મોટા બે સુંદર સરોવર આવેલા છે. ચારેબાજુ પર્વતો અને કિલ્લાની વચ્ચે ઉંચાઈ પર આવેલા આ સરોવર ખરેખર નવાઈ પમાડે તેવા છે ! આમ, ઉપરકોટનો સમગ્ર વિસ્તાર શિલ્પ સ્થાપત્યના એક ઉત્તમ નમૂનારૂપ બની રહે છે.
જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર થયો ! જાણે ગિરનારની તળેટીમાં હજુયે એ કરતાલ વાગ્યા કરે છે. જૂનાગઢના બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે એક હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારનું એ દ્રશ્ય કેવું અદ્દભુત હશે !
નરસિંહમહેતાના નિવાસ્થાને પહોંચીએ એટલે તેમના જીવનના ‘પિતાજીનું શ્રાદ્ધ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘શામળશાની હૂંડી’ના એ તમામ જીવનપ્રસંગો આપણી નજર સમક્ષ આવવા લાગે છે. પ્રવેશદ્વારની અંદર જમણી તરફ દામોદર ભગવાનું મુખ્ય મંદિર આવેલું છે. સામેની બાજુ શ્રી મહેતાજીના જીવનપ્રસંગોના સુંદર ચિત્રોની આર્ટ ગેલેરી છે. બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. ‘અસલ રાસ ચોરો’ છે ત્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. ભક્તિની ભીનાશથી ભરેલું આ ખૂબ જ શાંત અને સુંદર સ્થાન છે. મહેતાજીના નિવાસસ્થાનથી એટલે કે જુનાગઢ શહેરથી ત્રણ કિલોમીટર દૂર ગિરનાર તરફ જતા મધ્યમાં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ‘દામોદર કુંડ’ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં ‘બ્રહ્મકુંડ’ તરીકે ઓળખવામાં આવતું.
દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાના એક ‘અશ્વત્થામા’ પ્રતિદિન પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-5ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું.
કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં ભવનાથ મંદિર, અશોક શિલાલેખ અને મ્યુઝિયમ મુખ્ય છે.
Tag :
JANVA JEVU,
JUNAGADH