અંગ્રેજી કૅલેન્ડર મુજબ ઈસા મસીહના સંવત્સરમાં પ્રત્યેક ચાર વર્ષે "લિપ-યર" આવે છે, જેમાં ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસને બદલે ૨૯ દિવસ ગણવામાં આવે છે, તો આવું શાથી કરવામાં આવે છે ? ૨૦૧૬માં પણ ફેબ્રુઆરી મહિનાના ૨૯ દિવસો હતા.
તો આ રસપ્રદ બાબત જાણવી-માણવી પ્રાસંગિક બની રહેશે. "લિપ યર શું છે ?
અંગ્રેજી કૅલેન્ડરમાં વર્ષના બાર મહિનાઓ છે, પરંતુ પ્રત્યેક મહિનાના દિવસો સમાન નથી. ભારતીય પંચાંગમાં વર્ષના બારેય મહિનાના દિવસો સમાન છે. પ્રત્યેક મહિનો ૨૯.5 દિવસનો ચાંદ્રમાસ છે. ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ૨૯.5 દિવસે પૂરી કરે છે. આ થયો ચાંદ્રમાસ. આવા ૧૨ મહિનાના એક વર્ષના દિવસો થાય ૩૫૪, તેની સામે અંગ્રેજી કૅલેન્ડરનું એક સૌર વર્ષ ૩૬૫ દિવસનું છે.
જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર - પ્રત્યેક મહિનાના ૩૧ દિવસો છે, જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર મહિનાઓના - પ્રત્યેકના ૩૦ દિવસો છે. એક માત્ર ફેબ્રુઆરી માસ ૨૮ દિવસનો બનેલો છે.
પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી પૃથ્વીની બે પ્રકારની ગતિ છે. પ્રથમ ગતિ તેની પોતાની ધરી આસપાસ એક પ્રદક્ષિણા ૨૪ કલાકની છે, જેનાથી રાત-દિવસ થાય છે. પૃથ્વીની બીજી ગતિ એટલે આપણા સૌર મંડળના અન્ય ગ્રહોની જેમ, પૃથ્વી પણ એક ગ્રહ છે, જે સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં, સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીને આ પ્રદક્ષિણા કરવામાં ૩૬૫ દિવસ થાય છે... પરંતુ વધુ ચોકસાઈથી કહીએ તો ૩૬૫ દિવસ ઉપરાંત આશરે સાડા પાંચ કલાકનો વધુ સમય પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં લે છે. હવે દર વર્ષે આ રીતે પૃથ્વીની પ્રદક્ષિણામાં સાડા-પાંચ કલાકનો વિલંબ થાય છે, પરિણામે દર ચાર વર્ષે પૃથ્વી તેની સૂર્ય આસપાસની તેની પ્રદક્ષિણામાં એક આખો દિવસ મોડી પડે છે. હવે અંગ્રેજી કૅલેન્ડરનો તેની સાથે તાલમેલ કરવા માટે, જે વર્ષને ચાર સંખ્યાથી નિ:શેષ ભાગી શકાય, તેવા વર્ષમાં ફેબ્રુઆરી માસના ૨૮ને બદલે ૨૯ દિવસ ગણવાની પ્રથા દાખલ કરવામાં આવી છે. જેથી જે રીતે પૃથ્વી તેની સૂર્યની પ્રદક્ષિણામાં એક દિવસ મોડી પડે છે; તે જ રીતે ફેબ્રુઆરીના ૨૮ને બદલે ૨૯ દિવસ કરીને, અંગ્રેજી કૅલેન્ડર પણ એક વધુ દિવસ લે છે. આ રીતે બંનેનો સુમેળ સાધવામાં આવે છે.
આ સૂક્ષ્મ ખગોળીય ગાણિતિક ઘટનાને આપણે લિપ-યર કહીએ છીએ ! જે રીતે ભારતીય પંચાંગ તેના ચાંદ્રમાસને કારણે ૩૬૫ને બદલે ૩૫૪ દિવસનું બને છે. આ રીતે દર વર્ષે ભારતીય પંચાંગ પ્રમાણેનું ભારતીય વર્ષ ૧૧ દિવસ આગળ નીકળી જાય છે. આનો મેળ બેસાડવા માટે જ, દર ૩૪ મહિને પુરુષોત્તમ માસની જોગવાઈ કરીને, ભારતીય પંચાંગને ચાંદ્રમાસ અને સૌરવર્ષ - સૂર્યવર્ષ સાથે તાલમેલ ઊભો કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જે સૂક્ષ્મ ખગોળિય ગણિત મુજબનો વૈજ્ઞાનિક ઉકેલ છે. આ રીતે દર ૩૪ મહિને પુરુષોત્તમ માસની જોગવાઈ એટલે; એ વર્ષના બાર મહિનાને બદલે ૧૩ મહિનાનું ભારતીય વર્ષ એ ભારતનું ‘લિપ યર’ છે.
જ્યારે દર ચાર વર્ષે જેમ કે, વર્ષ ૨૦૦૮, ૨૦૧૨ એ પ્રમાણે આ વર્ષે ૨૦૧૬માં પણ ફેબ્રુઆરી મહિનાના ૨૮ને બદલે ૨૯ દિવસ યોજીને "લિપ - યરની જોગવાઈ ઊભી કરવામાં આવેલ છે. વધુમાં પ્રત્યેક લિપ-યરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થાય છે, જે મુજબ આ વર્ષે પણ અમેરિકાના પ્રમુખની ચૂંટણી થશે. ભારતના સદ્ગત વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈનો જન્મ ૨૯ ફેબ્રુઆરીએ થયેલો, તેથી મજાકમાં કહેવાતું હતું કે, મોરારજીભાઈનો જન્મદિવસ ચાર વર્ષે આવતો હોઈ, તેમની ઉંમર ૧/૪ વર્ષની જ ગણાય !
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
Vishesh din