હેમુ ગઢવી
કથાનકમાં
રહેલા વીર કે કરુણરસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર
પાસેના ઢાંકણિયા ગામે તા. ૦૮-૦૯-૧૯૨૯ના રોજ થયો હતો. કુટુંબની સામાન્ય આર્થિક
સ્થિતિને કારણે તેઓ ઝાઝું ભણી શકેલા નહીં . લોકગીત
અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ
કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક
મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી
લીધા હતાં. તે દરમિયાન તેમણે " ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત
ગાયુ હતું. કોઇક સુખદ અકસ્માતે હેમુભાઇ આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં જોડાયા.લોકો
પર એ કંઠે અજબનું સંમોહન છાપી દીધું.સંખ્યાબંધ જાહેર કાર્યક્રમો આપ્યા. ‘રાંકનું રતન’, ‘શેણીવિજાણંદ’,
‘પાતળી પરમાર’ જેવા લોકસંગીત રૂપકો આજે પણ
એટલા જ લોકપ્રિય રહ્યા છે. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીએ ‘શેતલને
કાંઠે’ અને ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘
જેવા નાટકો રજૂ કર્યા હતા. ૨૦ ઓગસ્ટ ૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે
આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ કરતી વખતે તેમને હેમરેજ થવાથી ચક્કર આવ્યા અને
બાદમાં મૃત્યુ પામ્યા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. તેમનાં
પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે.
Tag :
VYAKTI VISHESH