આ છતાં અકબરનો રાજ્યવ્યવહાર બધાં મુસ્લીમ રાજવીઓ કરતાં સારો હતો.આખા ઉત્તર અને પશ્વિમ ભારતમાં તેનું લોકપ્રિય શાસન શાસન ચાલતું.વળી,તેના સમયમાં કલા અને સાહિત્યનો પણ સારો એવો વિકાસ થયો હતો.આ બધામાં ઘણો ખરો પ્રતાપ તેના દરબારમાં રહેલા નવ કલા-સાહિત્ય અને મુત્સદ્દીના ખેરખાંઓને પ્રતાપે હતો.આ નવ જણ ભારતભરમાં અકબરના દરબારના “નવ રત્નો” તરીકે વિખ્યાત હતાં.
આવો જાણીએ દિલ્હી દરબારના એ નવ રત્નો વિશે –
૧.બિરબલ –
બિરબલ વિશે તો આજે કોણ નહિ જાણતું હોય ? લગભગ દરેક ઘરમાં અકબર-બિરબલના રમુજી કિસ્સાઓની ચોપડીઓ હશે જ.જો કે એમાંની ઘણીખરી વાર્તાઓ કાલ્પનિક છે પણ આ વાતો તો જ રચાઇ હોય જ્યારે બિરબલમાં ‘બુધ્ધિ’ અને ‘હાજરજવાબી’ નામની કોઇ ચીજ હોય.
બિરબલ અકબરના દરબારનો ‘વજીર-એ-આઝમ’ [ મુખ્ય પ્રધાન ] હતો.રણનિતીઓ અને યોજનાઓ ઘડવામાં તે માહેર હતો.મુખ્યત્વે અકબર તેની સલાહ લેતો.બિરબલ મુળે ગુજરાતનો હતો.તેનુ મુળ નામ – મહેશદાસ હતું.વળી,મોટા ગજાનો સાહિત્યકાર પણ હતો.”બ્રહ્મ” ઉપનામથી તેણે કાવ્યો લખ્યાં છે.અકબરે અમલમાં મુકેલ દિન-એ-ઇલાહી ધર્મમાં તે માનતો.આ પ્રખર વિદ્વતા અને કૌટિલ્યતા તેણે મેવાડરાજ મહારાણા પ્રતાપના ચરણોમાં ધરી હોત તો મહારાણા કદાચ આગ્રા સુધી પહોંચી શકત.પણ એ માટે “ભામાશા” જેવી વૃતિ બિરબલમાં નહોતી.
૨.તાનસેન –
ભારતનો મહાન સંગીતજ્ઞ.જે પ્રાચીન ભારતીય શાસ્ત્રીય સંગીતની રાગ-રાગિણીમાં માહેર હતો.તેનુ મુળ નામ ‘રામ તનુ પાંડે’ હતું.જે સ્વામી હરિદાસજીનો શિષ્ય હતો.બૈજુ બાવરાએ પણ તાનસેન સાથે જ સ્વામી હરિદાસજી પાસેથી સંગીત શીખેલું.ફરી એકવાર એ કહેવું અનુચ્છિત નહિ ગણાય કે તાનસેન ભલભલાંને પોતાના સંગીત વડે ડોલાવી શકતો.
તેને ગુજરાત સાથે જોડતી એક વાત તો સુપ્રસિધ્ધ છે કે,અકબર એકવાર તેને દિપક રાગ ગાઇ દિવડાં પેટાવવાનું કહે છે.રાગ ગાયા પછી તાનસેનના શરીરમાં અસહ્ય અગ્નિરૂપ બળતરા ઉપડે છે જે મલ્હાર રાગ વિના શાંત થાય તેમ નથી.[ એવી વાત પણ છે કે તાનસેને દિપક રાગ સ્વામી હરિદાસજીની ચિતા પ્રગટાવવા માટે ગાયેલો. ] તાનસેન ભારતભ્રમણ કરતા ગુજરાતના વડનગર આવે છે.ત્યાં નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દિકરી શર્મિષ્ઠા સાસરે હોય છે.જેની બે કિશોર કન્યાઓ નામે તાના અને રીરી મલ્હાર ગાઇને તાનસેનનો અગ્નિ શાંત પાડે છે.તાનસેન દિલ્હી દરબારમાં અકબરને આ વાત કહે છે.અકબર તે દિકરીઓને દિલ્હી બોલાવવા કહેણ મોકલે છે પણ બ્રાહ્મણની આ કન્યાઓ મુસ્લિમ સન્મુખ હાજર થવાની ના પાડે છે.બળજબરી કરતા તે ત્યાં જ આત્મહત્યા કરી લે છે.હઠિલો અકબર બે કુમળી મહાન સંગીતજ્ઞને કરમાવીને રહ્યો !
૩.રહીમ –
રહીમન દેખ બડેન કો,લઘુ ન દીજીયે ડારિ
જહાં કામ આવે સુઈ,કહા કરે તલવારિ
કો’કના મહેલ જોઇને આપણી ઝુંપડી બાળી ન દેવાય,રહીમ ! કારણ જ્યાં સોઇ કામ આવે ત્યાં તલવારથી કશું ઉખાળી શકાતું નથી.
કબીરની જેમ રહીમના દોહાઓ ભારતભરમાં પ્રખ્યાત છે.તેઓ બૈરન ખાન કે જેણે અકબર વતી ચારેક વર્ષ ગાદી સંભાળેલી,તેમના પુત્ર હતાં.મુળ નામ અબ્દુલ રહિમ ખાનખાના.
તેઓ એક પ્રખ્યાત કવિ તો હતાં જ.એ ઉપરાંત એક કુશળ યુધ્ધવીર,કુટનિતિજ્ઞ,રાજરમતના પ્રમુખ જાણકાર,કળાપ્રેમી,સંગીતના જાણકાર પણ હતાં.એમ કહોને કે રહીમ શું નહોતા ! ખરે જ એક બહુમુખીપ્રતિભા હતી.રહીમ જેવો હિંદુ-મુસ્લીમ એકતાનો હિમાયતી કોઇ થયો નથી.એક મુસ્લીમ હોવા છતાં એ હિંદુ સંસ્કૃતિના રામાયણ,મહાભારત જેવા ગ્રંથોના પ્રખર જ્ઞાતા હતાં.પોતાના દુહાઓમાં તેમણે ઘણીવાર રામાયણ-મહાભારતના દાખલાઓ ટાંક્યા છે.સૌથી મોટી મહાનતા એ હતી કે તેઓ હિન્દુ અને મુસ્લીમ ધર્મને સમાન રીતે આદર આપતા.એમ જ કહો કે બંને ધર્મને એક માનતા.અકબરના દરબાર તેમનું હોવું એ આખા હિન્દુસ્તાનનું ગૌરવ હતું.
૪.માનસિંહ –
રાજસ્થાનના આમેરનો રાજપૂત રાજવી હતો.જેની ફોઇ જોધાબાઇ અકબરની બેગમ હતી.માનસિંહ અકબરની સેનાનો મુખ્ય સેનાપતિ હતો.ભારતમાં કદી દેશદ્રોહીઓનો ક્યાં દુકાળ પડ્યો છે !
મહારાણા પ્રતાપ સામે હલ્દીઘાટીના યુધ્ધમાં અકબરની સેનાની કમાન આ દેશદ્રોહીએ સંભાળેલી.વિધિની વિચિત્રતા તો જુઓ ! મેવાડરાજ પ્રતાપનો સેનાપતિ અફઘાન પઠાણ વિર હાકિમ ખાં સુરી હતો અને અકબરની સેનાની કમાન એક રાજપૂતના હાથમાં હતી
પ.અબુલ ફઝલ –
આગ્રામાં જન્મેલ અબુલ ફઝલને કારણે આજે મુગલકાળનો ઇતિહાસ પ્રાપ્ય છે.અબુલ ફઝલ પ્રખર ઇતિહાસકાર હતો.
તેમણે “આઇને અકબરી” અને “અકબરનામા” જેવાં પ્રસિધ્ધ ઇતિહાસગ્રંથો લખેલા.તેમણે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો.તે અકબર પછી એના પુત્ર જહાંગીરને ગાદી પર બેસાડવાનો વિરોધ કરતાં.પણ જહાંગીર ગાદી પર આવ્યો અને જાણે કોઇ જનમનું વેર લેતો હોય તેમ અબુલ ફઝલની હત્યા કરાવી.પછી તેના પુત્રને બિહારનો સુબો બનાવ્યો ! જહાંગીર કમઅક્કલ હતો એ વાતની સાબિતી ત્યાં જ મળી જાય છે.
૬.ફૈઝી –
ફારસી ભાષાના સુવિખ્યાત કવિ હતાં.અને અબુલ ફઝલના ભાઇ થતા હતાં.”ફૈઝી” તેમનું ઉપનામ હતું.મુળ નામ “શેખ અબુ અલ-ફેઝ” હતું.ફારસી ભાષામાં લખાયેલી તેમની કવિતાઓ જગવિખ્યાત હતી. જહાંગીરનું મેથ્સનું ટ્યુશન અકબરે તેમને સોંપેલું.
૭.ટોડરમલ –
ટોડરમલ અકબરના નાણામંત્રી હતા.આગ્રાનો કારભાર સંભાળ્યા બાદ તેઓ ગુજરાતનો કારભાર સંભાળવા પણ આવેલા.
એવું કહેવાય છે કે તેમણે વિશ્વમાં પ્રથમ વખત જમીન માપન માટે માપન પદ્ધતિ તૈયાર કરી હતી. તેઓ ભરતપુર અલવર નજીક હરસાના ગામના હતા. અકબરના રાજ્યનું માપન તેમણે કર્યુ હતું. ઉત્તર પ્રદેશ રાજ્યની એકમાત્ર મહેસૂલ તાલીમ સંસ્થાનું નામ તેમના નામ પરથી “રાજા ટોડરમલ ભૂલેખ તાલીમ સંસ્થા” આપવામાં આવ્યું છે જ્યાં આઇએએસ, આઇપીએસ, પીસીએસ, પીપીએસ તેમજ મહેસૂલ કર્મચારીઓને ભૂલેખ સંબધિત તાલીમ આપવામાં આવે છે.
૮.મુલ્લાહ દો પ્યાઝા –
તેઓ અકબરના સલાહકાર હતાં.હુમાયુના વખતમાં ભારત આવેલ.ભોજનમાં નિયમિત તેમને ડુંગળીના બે ગાંઠિયા જોતા એટલે અકબરે તેનું હુલામણું નામ “દો પ્યાઝા” પાડેલું.[ प्याज – ડુંગળી ].
૯.હકીમ હુમામ –
અકબરના પ્રમુખ સલાહકારોમાંના એક અને મનોવિજ્ઞાનના નિષ્ણાંત હતાં.તેઓ ફારસી કવિતાના યોગ્ય અર્થો કરી શકતા.વળી,દરબારના રસોઇઘરનો કારભાર તેના હાથમાં રહેતો અને તેની દેખરેખ નીચે જ રસોઇ થતી.હકીમ હુમામ ગેરહાજર હોય ત્યારે અકબર કહેતો કે,તેમના વિના રસોઇમાં સ્વાદ નથી આવતો.
તો આ થયો પરિચય અકબરના દરબારના નવરત્નનો.એમાં કોઇ શક નથી કે અકબરને મહાન બનાવવામાં આ બધાંનો ફાળો બહુમુલ્ય જ હતો
Trick – BAT FAT MDH
અકબર ના નવ રત્નો યાદ રાખવાની રીત
B
|
બિરબલ
|
T
|
ટોડરમલ
|
A
|
અબુલ ફઝલ
|
M
|
માનસિંહ
|
T
|
તાનસેન
|
D
|
મુલ્લહ દો પ્યાજા
|
F
|
ફૈઝી
|
H
|
હકિમ
હુમામ
|
A
|
અબ્દુલ રહીમ ખાન
|
Tag :
JANVA JEVU